ખુદાની મને મહેરબાની – કુતુબ આઝાદ

આલ્બમ: આલાપ

સ્વર: મનહર ઉધાસ



ખુદાની મને મહેરબાની ઘણી છે
ઘણાની મહોબ્બત અને લાગણી છે

અમસ્તી નથી નામના થઈ અમારી
અમે વાવણી જે કરી, તે લણી છે

બધે પેશ આવ્યા અમે લાગણીથી
અમે લાગણી લોહી સાથે વણી છે

ધરા ધ્રુજશે તોય પડશે નહીં એ
મહોબ્બતની ઊંચી ઈમારત ચણી છે

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે