કવિના પોતાનાં અવાજમાં પઠન
શબ્દની સાથે ઘસો જો શબ્દને, ભડકો થશે,
આ સૂતેલું લોહી જયારે જાગશે તડકો થશે.
બારસાખે સાત ચોમાસા ઝૂલે તોરણ બની,
પહાડ આ જ્વાળામુખીનો આજ તો ટાઢો થશે.
રાતના અંધારને ચાખ્યા પછી હું તો કહું,
આગને જો આગની સાથે ઘસો છાંયો થશે.
સો સમુદ્રો માંય એવા મહેલને બંધાવવા,
આભ આખુંય અમે ખેડી દીધું, પાયો થશે.
સાત ઘોડા જોડાશો ને તોય પણ ફેરો થશે,
રેતમાં જો સૂર્યને ઝબકોળશો મેલો થશે.
એટલોતો ખુશ છું કે શી રીતે હું વર્ણવું,
છેક દરિયાઓ સુધી આ આંસુનો રેલો જશે.