હે કોઈ આઘે આઘેથી – હરિન્દ્ર દવે

સ્વર: જહાનવી શ્રીમાંનકર



હે કોઈ આઘે આઘેથી વેણુ વાય છે,
રે મને જાતી રહું જાતી રહું થાય છે.

લાલ લાલ આંખડીથી સાસુ જુએ છે
હોઠ મરડીને નણદી પગ પછાડે
લહેરીયે ચડેલ મારા લોચનીયા જોઈ
ઉભો નાવલીયો બારણાની આડે
હો ઘેરા ઘેનની કટોરી કોઈ પાય છે
રે મને જાતી રહું જાતી રહું થાય છે
હે કોઈ આઘે આઘેથી…

એક દ્વાર બંધ કિધું તો
કેટલાંય મારગ આ આંખમાં સમાયા
ધૂપ થઈ ઉડી, હું ચાલી સંભાળો
હવે પીંજરામાં રહી ગઈ કાયા
હવે છાનું એ છનછન છલકાય છે
રે મને જાતી રહું જાતી રહું થાય છે
હે કોઈ આઘે આઘેથી…