લાલાશ આખા ઘરની – મનોજ ખંડેરિયા

આલ્બમ: અણમોલ

સ્વર: મનહર ઉધાસ



લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ
ગુલમ્હોર મારી લાગણીનો પથારી જઈશ

ઉડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહેંક પતંગિયાને હું ખરી જઈશ

આખુયે વન મહેંકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ

હું તો છું પીંછુ કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને કાલે ખરી જઈશ

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ