આલ્બમ: આકાશ સવાયા ગુજરાતીનું
સ્વરકાર: ક્ષેમુ દિવેટિયા
સ્વર: મિતાલી સીંગ
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો ઘનશ્યામ,
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ.
વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી, ખાલી બેડાની કરે વાત,
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે, કેમ અલી? ક્યાં ગઈ’તી આમ?
રાધાનું નામ તમે..
કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ.
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે..