અલ્લક મલ્લક લાગણીઓની – લાલજી કાનપરિયા

આલ્બમ: સમન્વય ૨૦૧૦

સ્વરકાર: દક્ષેશ ધ્રુવ

સ્વર: ઝરણા વ્યાસ



અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ
ઝાકળ જેવી માંગણીઓની ઝાલર વાગે રણઝણ

ઝાડ વચાળે પંખી બોલે છલ્લક છલ્લક
ટહુકોની ગઠડી ખોલે છલ્લક છલ્લક
શ્વાસ શ્વાસમાં લાગણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ

નભથી ઉતારે વાદળનું વરદાન ભીનું, તથાસ્તુ!
કાચી કાચી નીંદર માંગે સ્વપન ઉછીનું, તથાસ્તુ!
ખળખળ વહેતી ઝરણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ

પતંગિયાનું ટોળું થઈ ને અવસર ઉડતા આવે મબલખ
રંગબેરંગી સપનાઓની ફાટ ભરીને લાવે મબલખ
ભીતર લખલખ લાગણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ