હતું કેવું સંબંધોનું – વિનય ઘાસવાલા

આલ્બમ: આભાર

સ્વર: મનહર ઉધાસ



“વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું,
સંકડો ફળથી જતન એક વૃક્ષ કેરું ના થયું;
એમ પોષે છે પિતા બે-ચાર પુત્રોને છતાં,
સર્વ પુત્રથી જતન એક જ પિતાનું ના થયું.”

હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે છે,
હતું કેવું સરળ સીધું એ સગપણ યાદ આવે છે.

પિતાની આંગળી છોડી હું શીખ્યો ચાલતાં જ્યારે,
ખોવાયું શહેરમાં મારું એ બચપણ યાદ આવે છે.

એ પાદર ગામનું ને ડાળ વડલાની હજીયે છે,
ને ઘરને ટોડલે બાંધેલ તોરણ યાદ આવે છે.

લઈને ગોદમાં સાંજે મને મા બેસતી જ્યાં પર,
એ રસ્તા ધૂળીયા ને ઘરનું આંગણ યાદ આવે છે.

કદી ભાઈની સાથે નાની અમથી વાત પર લડવું,
ગળે વળગી પછી રડવાની સમજણ યાદ આવે છે.

ઘણી વાતો છે એવી જેમનાં કારણ નથી હોતાં,
મેં છોડ્યું ગામ શા માટે એ કારણ યાદ આવે છે.