જીવન સ્વપ્ન છે એ જ જૂનાં – અમૃત ‘ઘાયલ’

આલ્બમ: આવકાર

સ્વર: મનહર ઉધાસ



“જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું;
ફરક તારા ને મારા વિષે છે એટલો જાહિદ,
વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.”

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ,
નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે એ ખંડેર કેરી-
તમે પણ કહેશો કરામત કરી છે.

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે-
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

જુવાનીના દિવસો એ રંગીન રાતો,
ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે-
હકૂમત વિના પણ હકૂમત કરી છે.

કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ
નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે-
બગાવત કહો તો બગાવત કરી છે.

કહો દંભીઓને કે સમજાવે એને,
કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી;
ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

મુબારક તમોને ગુલોની જવાની,
અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ
ચમનની હંમેશા હિફાજત કરી છે.

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા,
રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં,
વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અવર તો અવર પણ કદરદાન મિત્રોય,
રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે,
ફિરંગીની પેઠે વસાહત કરી છે.

પરાયા પસીનાનો પૈસો છે ‘ઘાયલ’,
કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી,
દલિતોની દોલત ઉચાપત કરી છે.