પરંપરાગત જૂની ગુજરાતી રંગભૂમિનો એક સુવર્ણયુગ હતો. ગુજરાતનાં ગામડે ગામડે ભજવાયેલા નાટકો માણનારા પ્રેક્ષકો આજે પણ એના સંભારણાથી સમૃધ્ધ હશે. બોલચાલની સીધી સહજ અને સરળ ભાષામાં લખાયેલા, સ્વરબધ્ધ થયેલા અને ગવાયેલા આ ગીતોમાં લોકજીવનમાંથી જન્મેલા અને લોકજીભે સચવાયેલા નવે નવ રસ સામેલ હતાં. આજે સાંભળીયે એવાં જ એક નાટક 'વડીલોનાં વાંકે' માટે લખાયેલ આ સુંદર ગીત..
આલ્બમ: સાંભરે રે
સ્વર: દીપ્તિ દેસાઈ
મીઠા લાગ્યા તે મને આજનાં ઉજાગરા,
જોતી ‘તી વાલાની વાટ રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..
પગલે પગલે એનાં ભણકારા વાગતાં,
અંતરમાં અમથો ઉચાટ રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હિંડોળાખાટ રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..
ઘેરાતી આંખડીને દીધાં સોગંદ મેં,
મટકું માર્યું તો તારી વાત રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..