સ્વર: જગજીત સિંહ
ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીર ને,
લાજ રાખી લઉં છું તારી, દોષ દઈ તકદીર ને.
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં,
જેવી રીતે જોઉં છું હું એમની તસવીર ને.
વીંધનારાઓ બરાબર જાય છે મંજિલ ઉપર,
પંથ બદલે એ નથી આદત ગતીમય તીર ને.
એની અંદર શું હશે મારી બલા જાણે ‘મરીઝ’,
બહાર તો પત્થર મળ્યા મસ્જિદ અને મંદિર ને.