મૈયરની માયા છોડી, સાસરીયે જાય,
નાનેથી ઉછેરી હવે પારકી થઈ જાય;
આવી જગની રીત કોઈથી કાંઈના કહેવાય,
દીકરી ને ગાય બેઉ દોરે ત્યાં જાય.
એક બાજુ ખુશી થતી, આનંદ અપાર,
બીજી બાજુ આંખેથી આંસુડાની ધાર;
શરણાઈનાં સૂર હવે ઘેરા ઘેરા સંભળાય,
વસમી છે વિદાય.. મૈયરની માયા..
માતાની મમતાને પિતાનો પ્યાર,
છોડી બધું જાય અનો ઉર ઊભરાય;
વિદાય લઈને લાડકી દીકરી માંડવેથી જાય,
વસમી છે વિદાય.. મૈયરની માયા..
બાંધવ રોવે ને બેનડી રોવે,
હસી-હસી રડી-રડી સામું એતો જોવે;
આવજો કહેતાં આંખે આંસુ ના સમાય,
વસમી છે વિદાય.. મૈયરની માયા..
દઉં છું આશિષ દીકરી અંબા કરશે સહાય,
અખંડ એવાતણ તારું રહેજો સદાય,
સુખી થાજો દીકરી હવે ભુલ્યું ના ભુલાય,
વસમી છે વિદાય.. મૈયરની માયા..