આલ્બમ: મોસમ પ્રેમની
સ્વર: દીપ્તિ દેસાઈ
એમ કાગડાનું કીધું મનાય નહીં,
હવે સખી, અટકળની આંખે જીવાય નહીં.
કાગડો તો પોતાની મરજીનો માલિક
તે થાય એને એવું કે બોલીએ,
એનાં બોલેથી સખી, આશા બંધાય
અને થાય એને મોતીડે તોલીએ.
કાગડાના બેસવાને ડાળ તણા પડવાની
ઘટનાને જોડી દેવાય નહીં,
શુકન અપશુકન તો વાર્તામાં હોય
એવી વાતો કંઈ માની લેવાય નહીં.
કાગડાનાં બોલ અને પ્રીતમનાં કૉલ
એનાં ઠાલા ભરોસા શું રાખવા?
જાણતલ જોશીડો એમ કરી કરી બોલ્યો કે
ખોટા રે જોશ શાને ભાખવા?
દંતકથા જેવા કોઈ મનગમતાં અંત તણે
આધારે જીવતર આ જાય નહીં,
બે ત્રણ કે ચાર વાતો મળતી આવે છે
એમાં મનને સમજાવો વહેમાય નહીં.