પિયુ મારો લીલો લજામણીનો છોડ,
અડકું અડકું ત્યાં તો અણિયાળી આંખ્યુંમાં રે
શરમું ના ફુટે પરોઢ..
વ્હાલપના વેણ બે બોલું બોલું ત્યાં તો
અવળું એ મુખ કરી લેતો,
ઘેનના રે ઘુમ્મટમાં ઘેરી વળું ત્યાં તો
ના રે કહેવાનું કહી દેતો,
એને જોઈ જોઈ કુણા આ કાળજડામાં
જાગે કેસરિયા કોડ..
લીલીછમ લાગણીની વેલ જરા ધીરેથી
ઊંચી કરીને એને વીંટું,
સાગ તણા સોટા પર ઊઘડતું ફૂલ જેવું
ફૂલ હજી ક્યાંય ના દીઠું,
એને મોહી મોહી બાંધ્યો મેં માહ્યરામાં
મનના મિલનનો મોડ..