સ્વર: હેમંત ચૌહાણ
લાવ હથેળી શ્યામ લખી દઉં,
હૈયે હરિવર નામ લખી દઉં.
આંગળી ઉપર આતમ પ્યારો,
કર ઉપર કિરતાર લખી દઉં.
મુખ ઉપર માખણ ખાનારો,
ગાલ ઉપર ગોવિંદ લખી દઉં.
કગંન ઉપર કૃષ્ણ કૃપાળુ,
ભુજ ઉપર ભગવંત લખી દઉં.
કુંડળ ઉપર કમલનયન ને,
અલ્કાવલી પર અલખ લખી દઉં.
નાસિકા ઉપર નટવર નાગર,
નથણી ઉપર શ્રીનાથ લખી દઉં.
અધરો ઉપર અંતરયામી,
બિંદીમાં વ્રજચંદ્ર લખી દઉં,
પાંપણ ઉપર પરમાનંદને,
કીકીમાં હું કૃષ્ણ લખી દઉં.
ચૂંદડી ઉપર ચિત્ત હરનારો,
પાલવ પર પ્રીતમ લખી દઉં.
શ્રાવણ મહીને ભીતર હું તો,
રોમે રોમે રસરાજ લખી દઉં..