વ્યર્થ દુનિયામાં – બરકત વિરાણી ‘બેફામ’

આલ્બમ: આભાર

સ્વર: મનહર ઉધાસ



“કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું,
કોઈને હું ફક્ત વ્હેમ દેખાઉં છું;
ચાલ હું એમ તો એમ દેખાઉં છું,
પ્રશ્ન એ છે તને કેમ દેખાઉં છું.”

-અમૃત ‘ઘાયલ’

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે,
તું નયન સામે નથી તો પણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે,
પ્યારથી કોઈને જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઈ જાય છે,
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

હું કરૂં છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુન્હો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.