કોઈ ધોધમાર વરસે રે – હિતેન આનંદપરા

આલ્બમ: મિજાજ

સ્વર: રેખા ત્રિવેદી



કોઈ ધોધમાર વરસે રે સૈ,
નસનસમાં તસતસતી ભીંસ કોઈ વાવીને,
કહે છે તું આજ ગઈ.

હાથ હાથ આવીને છટકી જવાના ખેલ,
રમવામાં હાર બી તો થાય;
રાત રાત આવીને સામે ઉભી રે તો,
નીકળે છે શરમાતી હાય.
ઉછળતા મોજામાં ભીંજાતી પાનીએ,
ઝાંઝર બોલે છે તા થૈ..

વેંત વેંત અંતરને ઓછું કરીને,
કોઈ ધીરેથી આવે છે ઓરું;
હેત હેત ઉછળે જ્યાં મારી ચોપાસ,
કહે કેમ કરી રહેવું રે કોરું.
છલબલતી જાતથી હું એવી ઢોળાઈ કે,
મારામાં બાકી ના રહી..