આલ્બમ: ઐશ્વર્યા
સ્વર: અશ્વૈર્યા મજમુદાર
શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે,
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
કીયા જનમનાં કદંબો ઉગ્યાં કીયા જનમની છાયા,
મીરાં ને મોહન મુખડાની અનંત લાગી માયા;
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.