બહુ ઓછા હશે – કુતુબ આઝાદ

આલ્બમ: અપેક્ષા

સ્વર: મનહર ઉધાસ



“હું આપની વાતો ના માનું, એવું તો કશુંયે ખાસ નથી,
પણ આપની વાતો જાદુ છે, જાદુમાં મને વિશ્વાસ નથી.”

બહુ ઓછા હશે જે સત્ય વાતોને સ્વીકારે છે,
ઘણાની જિંદગી તો જુઠનાં કેવળ સહારે છે.

અમારાને અમારા જે હતા તેઓ પરાયા થઈ,
વધારે ને વધારે વેદનાઓને વધારે છે.

ઉભા રહીને કિનારે ને કિનારે દ્રષ્ય જોનારા,
તમાશો ડૂબનારાનો જૂએ છે કોણ તારે છે?

સમય સાથે નથી હિંમત કરી જેઓ લડી શકતા,
વિચારો ને વિચારોમાં જીતેલા દાવ હારે છે.

દુઆ કરતા હતા ‘આઝાદ’ જે મારા મરણ માટે,
હવે મારી કબર આરસની કરવાનું વિચારે છે.