ગાંધર્વ લગ્ન – રમેશ પારેખ

કવિના પોતાનાં અવાજમાં પઠન



ઝાડ તળે બાજટ, ને બાજટ પર સાથિયો
અને સાથીયા ઉપર થોડાં ઘઉં,
એટલે કે તું મારી વહુ.

કેમ તને પરસેવો વળ્યો?
અહીં ક્યાં છે ખણખોદ કરે આપણી એ લોક.
પૂછ પેલા પોપટને, પૂછ પેલી કાબરને
જોને હલાવે સૌ ડોક,
હાથમાં હું હાથ તને દઉં,
એટલે કે તું મારી વહુ.

ફૂલો ન વીણવા, ન સોયદોરો લેવાં,
ન માળાયે ગૂંથવાનો ખપ.
તું બેઉ હાથ મારી ડોકમાં પરોવ
અને હું તને આલિંગુ ચપ
પછી તને ચૂમી હું દઉં,
એટલે કે તું મારી વહુ.