લૂ, જરી તું ધીરે ધીરે વા – ઉમાશંકર જોશી

આલ્બમ: ગીતગંગોત્રી

સ્વરકાર: અમર ભટ્ટ

સ્વર: હિમાલી વ્યાસ નાયક



લૂ, જરી તું ધીરે ધીરે વા,
કે મારો મોગરો વિલાય!
કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીયરો દુભાય!

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.
એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી …
લૂ, જરી તું ……

ધખતો શો ધોમ, ધીકે ધરણીની કાયા:
ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા;
પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયાં …
લૂ, જરી તું ……

કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીયરો દુભાય;
લૂ, જરી તું ધીરે ધીરે વા,
કે મારો મોગરો વિલાય.