કવિના અવાજમાં પઠન
0:00 / 0:00
નજર રાખ પ્યાલીમાં સાકી હજી
ગઝલ એક લખવાની બાકી હજી
હૃદય લઇ બજારે ઉભા ક્યારના
નથી નીકળી શું ઘરાકી હજી
કોઈ છેક દરવાજે આવી ઉભું
છતાં વાત લાગે ન પાકી હજી
સતત એમ લાગે આ અંધારમાં
ઉભું છે કોઈ તીર તાકી હજી
તમે માત્ર સરવાળા કરતા રહ્યા
ને બાકી છે આ બાદબાકી હજી
ચરણ થાકી થાકી ને પાછા પડે
પરંતુ આ હિંમત ન થાકી હજી
અહીં કાળા-ધોળાની વચ્ચે રહી
ત્વચા આપણી એ જ ખાકી હજી