જ્યારે જ્યારે તું હની ખિજાય છે – અદમ ટંકારવી

આલ્બમ: ગુજરાતી ડોટ કોમ

સ્વર: ચંદુ મટ્ટાણી



નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ
હમણાં સુધી જે ધીસ હતી તે ધેટ થઈ ગઈ
ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લેન્ડમાં આવી અને ચોકલેટ થઈ ગઈ

જ્યારે જ્યારે તું હની ખિજાય છે
ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે

સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું
ગુજરાતીમાં આવજો કહેવાય છે

લાગણી લિટલના જેવી છે રબીશ
ડસ્ટબીનમાં એ હવે ફેંકાય છે

તું મને પાલવનું ઇંગલિશ પૂછ નહિ
અહિંયા આંસુ ટીશ્યુથી લુછાય છે

મોનિકા જેવી જ છે ભાષા ‘અદમ’
સહેજ અડીએ ને ભવાડા થાય છે