બેડલું ચડાવ રે ગિરિધારી..



હા હા રે ઘડૂલીયો ચડાવ રે ગિરિધારી
હે ઘેર વાટ્યું જોવે છે મા ભોળી,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.

તારા માથાનો અંબોડો રે ગિરિધારી,
હે જાણે છૂટ્યો તેજી ઘોડો,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.

તારી આંખ્યુનો ઉલાળો રે ગિરિધારી,
હે જાણે દરિયાનો હિલોળો,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.

તારા હાથ્યુંની કલાયું રે ગિરિધારી,
હે જાણે સોનાની શરણાયું,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.

તારા હાથ્યુંની આંગળીયું રે ગિરિધારી,
હે જાણે ચોળા મગની શીંગું,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.

તારા પેટળીયાનો ફાંદો રે ગિરિધારી,
હે જાણે પૂનમ કેરો ચાંદો,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.