વરસો જવાને જોઈએ – અમૃત ‘ઘાયલ’

આલ્બમ: અવસર

સ્વર: મનહર ઉધાસ

0:00 / 0:00


વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,
આશ્ચર્ય વચ્ચે એમનાં આંગણમાં જઈ ચડ્યો.

પૂછો નહીં આજ તો ક્યાં નીકળી ગયો?
કાજળ સ્પર્શવા જતાં કામણમાં જઈ ચડ્યો.

અંધાર મુક્ત થઈ ન શક્યો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઈ ચડ્યો.

કંઈ ચાંદની જ એવી હતી ભાન ના રહ્યું,
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઈ ચડ્યો.

‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં જઈ ચડ્યો.