મૌન બોલે છે – આદિલ મન્સુરી

આદિલ મન્સુરી એટલે ગુજરાતી ગઝલને રૂઢીમાંથી બહાર કાઢી આધુનિકતાની આબોહવા અપાવનાર ગઝલકાર.. સાહસિક કવિ, પ્રયોગશીલ નાટ્યકાર, મીઠું બોલી કોઈને પણ પોતાના બનાવી શકવાની ક્ષમતા ધરાવતા ઉમદા માણસ. એમની વાણીમાં હાસ્ય અને ખૂણા વગરનો કટાક્ષ સાથે પ્રગટે. આદિલ સાહેબનો જન્મ ૧૮-૦૫-૧૯૩૬ ના રોજ અમદાવાદમાં થયેલો. મેટ્રિક સુધી ભણેલા આદિલ સાહેબનું મૂળ નામ તો છે ફરિદ મહમદ ગુલામ નબી મન્સુરી. વળાંક, પગરવ, સતત, આયનાનાં ઘરમાં, મળે ના મળે એ અમની ગઝલો અને કાવ્યનાં સંગ્રહો; 'હાથ-પગ બંધાયેલા છે' એમનો નાટ્યસંગ્રહ. આવા આ બહુમુખી પ્રતિભા ધરાવનાર સર્જક આજે આપણી વચ્ચે રહ્યા નથી અને ગુજરાતી ગઝલક્ષ્રેત્રે ન પૂરી શકાય એવી ખોટ પડી છે. શ્રી આદિલ મન્સુરીનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી ગઈકાલે ૬ નવેમ્બર ૨૦૦૮ નાં રોજ નિધન થયું છે. અલ્લાહ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી આપણા સૌ તરફથી પ્રાર્થના.

સતત લખતા રહેલા આદિલ સાહેબને પોતાની આગવી રીતે કવિતા પઠન કરતા સાંભળવા એ એક અનુભવ છે. એ જ્યારે પઠન કરે ત્યારે ખરેખર એમનાં ચિત્તની ગહેરાઈમાં રહેલું મૌન જાણે મુખર થઈને બોલી રહ્યું હોય એવો અનુભવ થાય. એટલે જ એ સહજ રીતે લખી ગયા..

"સમય પણ સાંભળે છે બે ધડી રોકાઈને 'આદિલ'
જગતનાં મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે."

તો આવો આવા આપણી ભાષાનાં એક સમર્થ સર્જકને એમનાં પોતાની જ વાણીમાં સાંભળીએ અને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પીએ.



તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે,
શરમ ભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઈને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોનાં ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વિજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દિવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ધડી રોકાઈને ‘આદિલ’
જગતનાં મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.