હે આકાશ તું અજવાળાનું ઘર – અવિનાશ વ્યાસ

આલ્બમ: સમન્વય ૨૦૦૮

સ્વરકાર: ગૌરાંગ વ્યાસ

સ્વર: સમૂહ ગાન



હે આકાશ તું અજવાળાનું ઘર,
પહેલું અજવાળું પરમેશ્વરનું,
બીજું અજવાળું સુરજનું;
ત્રીજું અજવાળું ચંદર ને તારા,
ચોથું સંધ્યાની રજનું.
પાર નથી જગે અજવાળાનો
એ તો સૌથી પર..
હે આકાશ તું અજવાળાનું ઘર.

આકાશ રડે સારી રાત,
પ્રથમ એનાં અશ્રુનાં બિંદુથી
ઘડાયો ચંદ્રનો ઘાટ;
લખકોટી તારા આસું છે કોઈનાં,
કોણ જાણે એનાં મનની વાત.
આસુંનાં તેજ આકાશમાં રહીને
આજ બન્યા છે અમર..
હે આકાશ તું અજવાળાનું ઘર.

રજનીની શૈયાથી જાગીને
સુરજે ઉષાનાં ઓજસમાં મુખ ધોયું;
કિરણોની અંગુલી અવનીને અડકી
જગ જાગ્યું ને તેજનું રૂપ જોયું.
તિલક કર્યું ભાલે, કંકુનું ક્ષિતીજે
સાંપડ્યો સોહાગી વર..
હે આકાશ તું અજવાળાનું ઘર.