નહી રે ભૂલું – યોસેફ મેકવાન

સ્વર: ઉર્મિશ મહેતા, વૈશાલી મહેતા



નહી રે ભૂલું હું નહી રે ભૂલું
એ આપણો સથવારો જોજે ના ભૂલે
ના ના.. નહી રે ભૂલું હું નહી રે ભૂલું

ભીનાં ભીનાં સમીરમાં મન મારું પલળેલું
રૂછું મારા હાથ મહીં નામ તારું ચીતરેલું
મારા અધરે મુકેલો તેં શ્વાસનો પલકારો
એ આપણો સથવારો જોજે ના ભૂલે
નહી રે ભૂલું…

તારી એ હથેળી મહીં મારી છબી જોઇ ‘તી
મારા બાહુબંધ મહીં મલકમાં તુ રોઇ ‘તી
મારા હ્રદયે સુણેલો એ તારો થડકારો
એ આપણો સથવારો જોજે ના ભૂલે
નહી રે ભૂલું…

એ અજાણ રાત મહીં વાતનાં પરોવ્યાં ફૂલો
પિયા તારો સાથ હતો સુખ ભર્યો ઝુલો
ઝુલશે સમયની ડાળે પ્રિતનો આ માળો
એ આપણો સથવારો જોજે ના
ભૂલે નહી રે ભૂલું…