સ્વરકાર: અતુલ દેસાઈ
સ્વર: અમર ભટ્ટ
ચાલો સખી! વૃંદાવન જઈએ,
જિહાં ગોવિંદ ખેલે હોળી;
નટવર વેશ ધર્યો નંદ નંદન,
મળી મહાવન ટોળી… ચાલો સખી !
એક નાચે એક ચંગ વજાડે,
છાંટે કેસર ઘોળી;
એક અબીરગુલાલ ઉડાડે,
એક ગાય ભાંભર ભોળી… ચાલો સખી !
એક એકને કરે છમકલાં,
હસી હસી કર લે તાળી;
માંહી માંહી કરે મરકલાં,
મધ્ય ખેલે વનમાળી… ચાલો સખી !
વસંત ઋતુ વૃંદાવન પ્રસરી,
ફૂલ્યો ફાગણ માસ;
ગોવિંદગોપી રમે રંગભર,
જુએ નરસૈંયો દાસ… ચાલો સખી !’
સ્વરાંકન પંડિત અતુલ દેસાઈનું છે. છેલ્લી પંક્તિમાં નરસિંહે સાક્ષીભાવે કૈંક જોયું એવો ભાવ છે. પ્રથમ પંક્તિમાં ગોવિંદની હોળી જોવા જવા માટેનું આમંત્રણ છે. આમંત્રણ કાફી રાગ અને સાત માત્રાના ઠેકામાં અને નરસિંહે જોયેલાં હોળીનાં જુદાંજુદાં દ્રશ્યો આઠ માત્રાના ઠેકામાં છે. નાટકમાં જેમ દ્રશ્ય બદલવા પડદો પડે કે લાઇટ્સ બંધ થાય તેમ અહીં દ્રશ્ય બદલવા તાલ બદલવાની ટેકનિક અતુલભાઈએ સફળતાપૂર્વક અજમાવી છે. છેલ્લે રાગ બસંત બહાર ને પછી મૂળ કાફી પર આવી ચલતીમાં જ ગીત પૂરું થાય છે.
‘ચાલો સખી’ એ શબ્દો જયદેવના ‘ગીતગોવિંદ’ની આ પંક્તિ યાદ કરાવશે –
चल सखि कुन्जम् सतिमिरपुंजम् शीलय नीलनिचोलम्॥
(એક આડવાત: નરસિંહ મહેતાના ‘હારસમેનાં પદો’માં કબીર, નામદેવ ને જયદેવનો નામોલ્લેખ છે. કૃષ્ણને એ વિનવે છે કે આ બધા સંતોને/ભક્તોને તેં કેટલું આપ્યું ને મને એક હાર તું નથી આપતો?-
‘દેવા! હમચી વાર કાં બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગઈલા?
ધ્રુવ, પ્રહલાદ, અમરીશ વિભીષણ, નામાચે હાથ તે દૂધ પીઉલા.
મ્લેચ્છ જન માટે તેં કબીરને ઉદ્ધાર્યો, નામાચાં છાપરાં આપ્યાં છાહી
જયદેવને પદ્માવતી આપી, મુંને નાગર માટે રખે મેલ વાહી ‘)
નરસિંહ મહેતાનું વસંતનું અને એમાંથી વ્યક્ત થતા આનંદ ઉલ્લાસનું પદ સાંભળો. – અમર ભટ્ટ