સ્વરકાર: સપના શાહ
સ્વર: અટ્ટા ખાન, જીગીષા ખેરડીયા
ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.
કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વાદળને ઝરમરવાનું મન થઇ જાય છે.
આપણે સાથે નથી એવો સમય વિતાવવા,
વૃક્ષનાં પર્ણો બધાં ગણવાનું મન થઇ જાય છે.
જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.
જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઇએ પ્રાસ
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !
એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !