મેઘદૂત (પૂર્વમેઘ ૧૩-૨૩) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

Yaksha Talking to Megh

Painting by Ramgopal Vijaivargiya
Image Courtesy: Kumar Gallery


પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ

આલ્બમ: મેઘદૂત

સ્વરકાર: આશિત દેસાઈ

સ્વર: પ્રફુલ્લ દવે



પે’લાં તા’રો શ્રવણ કર તું, માર્ગ છે જે જવાનો;
સંદેશો હું કહિશ પછિથી, ધ્યાનમાં રાખવાનો;
થાકે ત્યારે ગિરિ પર ધરી પાય વીસામજે તું,
ખાલી થાતાં, જળ પી હલકું, ચાલજે નિર્ઝરોનું ॥ ૧૩ ॥

અદ્રિકેરું શિખર પવને શું ઉડે, એમ ધારી,
જોવાતો તું ચકિત બનતી મુગ્ધ સિદ્ધાંગનાથી;
ઉડી વ્યોમે સરસ નિચુલ સ્થાનથી, ઉત્તરે, આ,
દિઙ્નાગોના સ્થુળ કરતણો ગર્વ ઉતારતો જા ॥ ૧૪ ॥

જૂદાં જૂદાં કિરણ મણિનાં, હોય સંમિશ્ર તેવું,
પેલા શૃંગે દિસતું અડધું ચાપ આ ઇન્દ્રકેરું;
તેથી તા’રું શરીર રૂડું આ શ્યામળું શોભિરે’શે,
ધારી આવ્યા મયૂરપિંછને, કૃષ્ણ શું ગોપવેષે ॥ ૧૫ ॥

તા’રામાં છે ફળ કૃષિતણું, પ્રીતિથી એમ ધારી,
ન્યાળી જોશે જનપદ વધૂ, દ્રષ્ટિથી નિર્વિકારી;
તાજી ખેડ્યે મસમસી રહ્યાં, માળનાં ખેતરોને,
ઓળંગીને ઝટ, વળિ જરા, ઉત્તરે માર્ગ લેજે ॥ ૧૬ ॥

ધારાઓથી શિતળ કરિને કાનનોના દવાગ્નિ,
આવ્યો જાણી શ્રમ કરિ ઘણો, માર્ગમાં ખૂબ થાકી;
સારી રીતે ધરિ લઈ સખે! શિખ્ખરોમાં અચૂક,
વીસામો ત્યાં ગિરિવર તને આપશે આમ્રકૂટ.
કીધો હોયે પ્રથમ કદિ જો કોઈને ઉપકાર,
તો તે તેનો ગુણ ન વિસરે, હોય જો ક્ષુદ્ર તો’ય;
તા’રા જેવો સુહૃદ પછિ જ્યાં આશ્રયે આવનાર
મોટા છે તે ક્યમ વિસરશે, આપતાં આવકાર ॥ ૧૭ ॥

છાઈ સીમા ભરચક, પીળી આમલે પાકી સાખો,
તું બેઠાથી શિખર પર ત્યાં, સ્નિગ્ધ વેણી સમાણો,
શોભીરે’તો ગિરિ નિરખશે, દેવનાં દંપતીઓ,
જાણે ગોરો સ્તન ભૂમિતણો, મધ્યમાં શ્યામવર્ણો ॥ ૧૮ ॥

તે અદ્રિમાં વનવધૂવડે ભોગવેલી નિકુંજે,
થોભી થોડું વરસી હલકો થૈ, જતાં શીઘ્ર માર્ગે;
જોશે વાંકીચૂંકી વિખરતી નર્મદા વિંધ્ય પાદે,
જાણે વેલી વિવિધ ચિતરી હોય શું હસ્તિ અંગે ॥ ૧૯ ॥

વર્ષી ખાલી થઈ, ગજમદે કૈંક તીખું સુગંધી,
જંબુ કુંજે ખળિ રહ્યું ભરી, પાણી એનું ફરીથી;
ભારે થાતાં ધન ! નહિ શકે વાયુ ખેંચી તને ત્યાં;
હોયે ખાલી હલકુ સધળું, ભાર છે પૂર્ણતામાં ॥ ૨૦ ॥

રાતાં ભૂરાં નિરખી અડધા તંતુ ફુટ્યાં કદંબો,
ભીને કાંઠે, પ્રથમ ફુટતી કેળની ખાઈ ડુંખો;
સિંચાયેલી જળથિ ભૂમિનો વાસ લેતાં વનોમાં,
સારંગોના યુથ ઘન! બધો માર્ગ દેખાડશે ત્યાં ॥ ૨૧ ॥

જોતા, બિન્દુ ચતુરાઈ થકી ઝીલતાં ચાતકોને,
દેખાડીને બગતણી ગણી, પંક્તિઓ પ્યારીઓને;
કંઠાશ્લેષે સહચરી તણા, ગર્જનાથી ડરેલી.
દેશે સિદ્ધો ઘન! બહુ તને માન, આભાર માની ॥ ૨૨ ॥

ઈચ્છે છે તું જલદિથી જવા વ્હાલી પાસે છતાં ત્યાં,
ખોટી થાશે બહુ તું કુટજે મ્હેકતા પર્વતોમાં;
કેકા શબ્દે સજલ નયને માન દેશે મયૂરો-
સામા આવી, તદપિ ધરજે, મેઘ! તું માર્ગ તા’રો ॥ ૨૩ ॥