સ્વર: સોલી કાપડિયા
તમે અહીંયા રહો તો મને સારું રહે,
આ જળને વહેવાનું કંઈ કારણ રહે.
તમે આંખોથી આંસુ નીચોવી લીધું,
આ વાદળને રડવાનું કાનમાં કીધું;
તમે આવજો કહીને પછી આવશો નહીં,
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં.
આ શબ્દોને ઉંડું એક વળગણ રહે,
આ જળને વહેવાનું કંઈ કારણ રહે.
હવે સૂરજ આથમશે તો ગમશે નહીં,
આ સપનાનો પગરવ વર્તાશે નહીં;
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં,
અને આભ સાથે કોઈ’દિ બોલશું નહીં.
મારા દર્દોનું એક મને મારણ રહે,
આ જળને વહેવાનું કંઈ કારણ રહે.
એક પંખી સૂરજ સામે સળગી જશે,
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે;
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં,
આ ખારા સાગરને ખૂંદતા નહીં.
અહીં વરસાદે વરસાદે ભીનું રહે,
આ જળને વહેવાનું કંઈ કારણ રહે.
અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ,
આંખ રડશે કે તડકામાં સળગી’તી ભૂલ;
તમે આશાની આશામાં રડશો નહીં,
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં.
અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે,
આ જળને વહેવાનું કંઈ કારણ રહે.