કોકરવરણો તડકો – વેણીભાઈ પુરોહિત

આલ્બમ: મા ભોમ ગુર્જરી

સ્વર: ચંદુ મટ્ટાણી



હજી આ કોકરવરણો તડકો છે,
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો!
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે, સાંજ તો..

હજી ક્યાં પંખી આવ્યા તરૂવર પર
અને ક્યાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર,
હજી ના મનડું બેઠું મહુવર પર,
દેવમંદિરે નોબત સંગે, ઝાલર મધુર વગાડવા દો..

હજી આ ધરતી ઊની ઊની છે
ગગનની મખમલ તારક સૂની છે,
સાંજ તો શોખીન ને સમજુની છે,
કનકકિરણને નભવાદળમાં
અદભુત રંગ રગડવા દો, સાંજ તો..

હજી ક્યાં દુનિયાદારી થાકી છે,
હવાની રૂખ બદલવી બાકી છે,
હજી આ કિરણોમાં કરડાકી છે.
ગમતીલી ગોરજને ઉંચે
અંગે અંગ મરડવા દો, સાંજ તો..