આલ્બમ: સમન્વય ૨૦૦૬
સ્વર: નયનેશ જાની
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર,
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ,
અડધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અડધું તે તમરાંનુ કુળ;
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.