સ્વરકાર: રાસબિહારી દેસાઈ

સ્વર: જહાનવી શ્રીમાંનકર, પાર્થિવ ગોહિલ



કેવા રે મળેલા મનનાં મેળ, રુદિયાના રાજા,
કેવા રે મળેલા મનનાં મેળ…

ચોકમાં ગુંથાય જેવી ચાંદરણાની જાળી,
જેવી માંડવે વિંટાયે નાગરવેલ, રુદિયાની રાણી,
કેવા રે મળેલા મનનાં મેળ…

તુંબુર ને જંતરની વાણી, હેજી કાંઠા ને સરીતાના પાણી,
ગોધાણાની ઘંટડીએ સોહે સંધ્યા રે, રુદિયાના રાજા,
કેવા રે મળેલા મનનાં મેળ…

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ, રુદિયાના રાજા,
કેવા રે મળેલા મનનાં મેળ…

સંગનો ઉમંગ માણી, હેજી જિંદગીને જીવી જાણી,
એક રે ક્યારામાં જેવા ઝુક્યાં ચંપો-કેળ, રુદિયાની રાણી,
કેવા રે મળેલા મનનાં મેળ…

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર, રુદિયાની રાણી,
કેવા રે મળેલા મનનાં મેળ…