એક છોકરાએ સિટીનો – રમેશ પારેખ

આલ્બમ: સમન્વય ૨૦૦૫

સ્વર: પાર્થિવ ગોહિલ



એક છોકરાએ સિટીનો હિંચકો બનાવી
એક છોકરીને કીધું લે ઝૂલ.

છોકરાએ સપનાનું ખીસું ફંફોસી
ને સોનેરી ચોકલેટ કાઢી રે,
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
ફેંકી કઈ ચિઠ્ઠીઓ અષાઠી રે.
સીધી લીટીનો સાવ છોકરો
ને પલાળ્યો તો બની ગયો બે ત્રણ વર્તુળ.
એક છોકરાએ…

છોકરીને શું એ તો ઝૂલી એ પછી
એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થયું એ તો છોકરાને થયું
એના સાન-ભાન ચરી ગયું ઘોડું રે.
બાપની પેઢીએ બેસીને ચોપડામાં
રોજ રોજ ચીતરતો ફૂલ.
એક છોકરાએ..