પછી પગલાં ગણ્યાથી – પુરુરાજ જોશી

આલ્બમ: મોરપિચ્છ

સ્વર: શ્યામલ મુન્શી



પછી પગલાં ગણ્યાથી પંથ પૂરો ન થાય
ને વનરાવન પણ ગમતું લાગતું,
જેવું મારગમાં મોરપિચ્છ ભાળું કે
કાળજડે કાનાનું ના હોવું વાગતું.

આ તે યમુનાનો કાંઠો એ ધીકતું મસાણ
લાખ શમણાની ભડભડતી ચેહ,
અહીં શ્યામના કંઠે ના ડુસકા દબાય
અને દરિયા પર દાખવ્યો તે નેહ.
અરે કાગળમાં ચીતરી શી સુનમુન આ ગાયો,
ચરવામાં ચિત્ત નથી લાગતું.

આ તે આંસુ ખરે કે ખરે પાંદડા કદંબના
ને વરસે છે આભલેથી આગ,
વિરહમાં ઓગળ્યા રંગને ઉમંગ
કહો કેમ કરી ઉજવવા ફાગ.
ભલે આંસુથી ખરડાતો ગોવર્ધન પહાડ
ને નિસાસે વનરાવન દાઝતું.