સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું – સૈફ પાલનપુરી

આલ્બમ: અનુરાગ

સ્વર: મનહર ઉધાસ



“અમુક રીતે જો ઉચ્ચારે છે મારું નામ કોઈ તો,
કોઈ નિસ્બત નથી હોતી છતાં શરમાઈ જાઉં છું;
તમારું નામ લે છે જયારે કોઈ પારકા હોઠોં,
કોઈ બાબત નથી હોતી છતાં વહેમાઈ જાઉં છું.”

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.

એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો હતો,
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું કોરો અને વાંચી રહ્યો છું.

કહેવું છે ઘણું ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.