મારા સાથિયામાં એક રંગ ઓછો પડે – અવિનાશ વ્યાસ

સ્વર: બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય



ગોત્યો મેં ઉષામાં, ગોત્યો મેં સંધ્યામાં
ગોતી ગોતી થાકી તો યે ક્યાંક ના જડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે

ઓલ્યો કાજળનો રંગ, ઓલ્યો કુમકુમનો રંગ
ઓલી મહેંદીનો રંગ, ફોર્યાં ફૂલડાંનો રંગ
મારા નંદવાયા કાળજાની કોર ના ચડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે

રંગીલો મોરલો ને નવલી કંકાવટી
સપ્તરંગી લહેરીયું વર્ષા લહેરાવતી
મારી સંગ મારા આંસુનો રંગ પણ રડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે

પુરી અધુરી મારા જીવનની રંગોળી
કોણ એમાં મનગમતો રંગ દેશે ઢોળી
હું રંગથી ભરી છતાં ન રંગ સાંપડે
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે