અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને – વિવેક મનહર ટેલર

સ્વરકાર: મેહુલ સુરતી

સ્વર: અમન લેખડિયા



અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.