આલ્બમ: સમન્વય ૨૦૦૯

સ્વરકાર: પરેશ ભટ્ટ

સ્વર: ભૂમિક શાહ



જોગી ચલો ગેબને ગામ,
સમય પોતે છે પ્રશ્નવિરામ,
સમયનું ક્યાં છે પૂર્ણવિરામ?

સુખને દુઃખનું સંગમ તીરથ
જીવન એનું નામ,
આવન જાવન ગહન અનાદિ
કરવું પડે શું કામ?
જોગી ચલો ગેબને ગામ..

તપ લેખો તો તપ છે જીવન
નહીંતર તીખો તાપ,
મુસિબતોને પાર કરે
તે સુખિયો આપોઆપ.
પોતામાં સુખ શોધીને કર,
પોતાને જ પ્રણામ..
જોગી ચલો ગેબને ગામ..

ડાબા જમણા ખભા ઉપર છે
કઈ ભવ ભવનો ભાર,
પાપ પુણ્યની વચ્ચે ચાલે
અરસ પારસ સંહાર.
તું પોતે છે પરમ પ્રવાસી
તુજ પરમનું ધામ..
જોગી ચલો ગેબને ગામ..