મેં હજી મત્લા કર્યો છે – અંકિત ત્રિવેદી

આલ્બમ: સમન્વય ૨૦૦૯

સ્વરકાર: આશિત દેસાઈ

સ્વર: આલાપ દેસાઈ



મેં હજી મત્લા કર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
તોય ડૂમો કરગર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

વાત જે ના થઈ શકી એનો નશો મિસરો બનીને,
ધીરે ધીરે વિસ્તર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

સાંજની ભીની હવા પરના રદીફનો હાથ ઝાલી,
કાફિયાને કોતર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?