મુખ પર મલકાયું – ભાસ્કર વોરા

આલ્બમ: મોરપિચ્છ

સ્વરકાર: આશિત દેસાઈ

સ્વર: આરતિ મુન્શી



પ્રસ્તાવના: તુષાર શુક્લ

મુખ પર મલકાયું ગોકુળિયું ગામ ને મનમાં મથુરાના મ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પ્રીત નાં જગાડીએ!

જમુનાનાં જળ હવે મૃગજળ-શાં લાગે ને નંદનવન રેતીનું રણ,
પૂનમને ઘેરી અમાસ હવે ડંખતી આ એક એક જીવનના કણ!
આ બાજુ કણકણમાં લીલા દેખાડો ને એ બાજુ મથુરાની સ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પંડ ના પુગાડીએ!

મુરલીના સૂર હવે કાંટા-શા વાગે ને કુંજગલી કાંટાળી વાડ,
લીલુડા લ્હેરિયાના લીરા જો ઊડતા ને ઊડતા લાખેણા લાડ!
લાડ કરી આ બાજુ અમને ડોલાવો ને એ બાજુ મથુરાની ઢેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે ઢોલ ના વગાડીએ!