બે ફૂલ ચઢાવે – અવિનાશ વ્યાસ

આલ્બમ: અમર સદા અવિનાશ



બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.
કૃષ્ણની પાસે જવું હોય તો,
બનવું પડે સુદામા, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.

સાચું છે એ સચરાચર છે,
સાચું છે એ અજરાઅમર છે,
સાચું છે એ પરમેશ્વર છે,
પણ ચોધારે વરસે મેહુલીયો તો,
મળે એક ટીપાંમાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.

રામનું સ્વાગત કરતાં ઋષિઓ, જાપ જપન્તા રહી ગયાં,
એઠાં બોરને અમૃત કરીને રામ શબરીનાં થઈ ગયાં,
નહીં મળે ચાંદી સોનાનાં અઢળક સિક્કામાં,
નહીં મળે કાશીમાં કે નહીં મળે મક્કામાં,
પણ નસીબ હોય તો મળી જાય એ તુલસીનાં પત્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.