મેઘદૂત (પૂર્વમેઘ ૧-૧૨) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

મિત્રો,

આજે રણકારની ગીત-સંગીતની સફરનાં સાત વર્ષ પૂરાં થયા. આપ સૌના સતત સહકારે જ એને અવિરત રણકતો રાખ્યો છે. તે બદલ હું સૌ શ્રોતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.

આપણા મહાકવિ કાલિદાસ પ્રણીત મેઘદૂતનો સ્વ. કિલાભાઈ ઘનશ્યામ દ્વારા ગુજરાતીમાં કરાયેલ સમશ્લોકી અનુવાદની સંગીતમય રજૂઆતની સીડી સહીતનું પુસ્તક, હીરાલક્ષ્મી ફાઉન્ડેશન વતી શ્રી નવનીતલાલ શાહના સહયોગથી સાહિત્યકાર શ્રી રજનીકુમાર પંડ્યાએ તૈયાર કર્યું છે. પુસ્તકમાં 1913માં કરવામાં આવેલા અનુવાદનું સચિત્ર વિવરણ છે. સાથે સાથે સંપૂર્ણ મેઘદૂતને શ્રી પ્રફુલ દવેનાં સ્વરમાં શ્રી આશિત દેસાઈએ સંગીતબદ્ધ કર્યું છે. કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે રજનીકુમાર પંડ્યાને rajnikumarp@gmail.com પર ઈ-મેઈલ કરી શકાય છે. આજથી રણકાર પર એ સમગ્ર પાઠ કુલ 11 ટુકડાઓમાં મૂકવામાં આવશે.


meghdoot-stamp

ભારતીય ટપાલ ખાતા દ્વારા 1960માં બહાર પાડવામાં આવેલી મેઘદૂતની ટપાલ ટીકીટ.

Meghdoot Book

હીરાલક્ષ્મી ફાઉન્ડેશનના સહયોગથી સાહિત્યકાર શ્રી રજનીકુમાર પંડ્યા દ્વારા તૈયાર થયેલું સ્વ. કિલાભાઈ ઘનશ્યામના ગુજરાતી અનુવાદનું પુસ્તક અને તેના સંગીતમય રૂપાંતરની બે સીડીનું મુખપૃષ્ઠ.



પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ

આલ્બમ: મેઘદૂત

સ્વરકાર: આશિત દેસાઈ

સ્વર: પ્રફુલ્લ દવે



પૂર્વમેઘ

 

સ્વામીસેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઈ યક્ષ,
કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપ;
સીતાસ્નાને પુનિત જળના, મીઠડી છાંયવાળા,
રામાદ્રિમાં, વિચરિ વસિયો, આશ્રમોમાં રૂપાળા ॥૧॥

તે અદ્રિમાં, જ્યમ ત્યમ, કરી કામિ યક્ષે નિવાસ,
વ્હાલીકેરો વિરહ સહિને, ગાળિયા કૈંક માસ;
અંગે ઝાઝો કૃશ થઈ જતાં, કષ્ટથી શોચી શોચી,
સોનાકેરું સરિ ગયું કડું, દૂબળા હાથમાંથી;
વપ્રક્રીડા કરિ, ગિરિતણાં શૃંગ ઉથામવાને,
નીચું માથું કરિ, નમિ ઉભો હસ્તિ ના હોય જાણે;
ધેરાયેલો નિકટ જઈને, શિખ્ખરે પર્વતોનાં,
દીઠો એણે, રમણિય નવો મેઘ આષાઢ થાતાં ॥૨॥

તેને દેખી કુતૂહલ થતાં; નેત્રથી માંડી લક્ષ,
બેળે બેળે, ક્ષણ રહિ ઉભો, યક્ષ તેની સમક્ષ;
થંભાવીને, વિરહદુઃખનાં આંસુઓ ઝાઝીવાર;
લાગ્યો ઉંડા કંઈક કરવા, ચિત્તમાંહે વિચાર;
પ્રેમી સાથે, સુખથી વસતા હોય તેવા જનોની,
થાયે સહેજે ચલિત મનની વૃત્તિઓ, મેઘ દેખી;
તો શું કે’વું પ્રણયિજનનું, વ્હાલી જેની વિયોગે,
જૂદી થાતાં તલસિ રહી છે, કંઠને ભેટવાને ॥૩॥

દેખી વર્ષા નિકટ, સખીના પ્રાણ ઉગારવાને,
સંદેશામાં, કુશળ ખબરો કા’વવા મેઘ સાથે;
તાજાં ખીલ્યાં કુટજ કુસુમે, હર્ષથી આપ અર્ઘ,
પ્રીતિભીનાં વચનથી દિધો, મેઘને આવકાર ॥૪॥

ધૂમ્ર, જ્યોતિ, જળ, પવનના, મેઘ ક્યાં આ બનેલા,
ક્યાં સંદેશા, સમજણભર્યા પ્રાણિથી લૈજવાતા,
એવું કાંઈ ન લહિ, અધીરો યાચતો યક્ષ એને,
કામી નિશ્ચે જડ સજીવમાં ભેદ ના કૈં પ્રમાણે ॥૫॥

જાયો વંશે જગવિદિત તું પુષ્કરાવર્ત્તકોને,
ફાવે તેવું સ્વરૂપ ધરતો, ઇન્દ્રનો મંત્રિ તું છે;
માટે યાચું વિધિવશ થતાં, બંધુથી હું વિયોગી,
યાચના, ભુંડી નિચની ફળદા, વ્યર્થ સારી ગુણીની ॥૬॥

તું છે મોટું શરણ, વિરહે હોય સંતપ્ત તેનું,
સંદેશો લઈ, ઘનદ રુઠતાં, આ વિયોગી તણો તું;
વ્હાલી પાસે વિચર, અલકા યક્ષના નાથની જ્યાં,
જ્યોત્સના શંભુ શિરની પડતાં, લાગતાં હર્મ્ય ધોળ્યાં ॥૭॥

જોશે તું ત્યાં, દિવસ ગણતાં પ્રાણધારી રહેલી,
એક સ્વામિવ્રત ધરી રહી, જીવતી ભાભી તા’રી;
આશાતંતુ કુસુમ સરખાં, નારીનાં સે’જમાંહે-
ફાટી જાતાં પ્રણયિ હૃદયો, ધારી રાખે વિયોગે ॥૮॥

ઘેરાયેલો નભ મહિં તને, ભાલથી કેશ સારી,
જોશે આશાભરી હરખતી નારીઓ પાંથિકોની;
મારી પેઠે પરવશ અરે! કોણ બીજો હશે કે,
તારે આવ્યે વિરહ વિધુરી વા’લીને જે ઉવેખે ॥૯॥

ધીરે ધીરે અનુકુળ થતો વાયુ ખેંચેં તને આ,
ડાબે પાસે હરખી ઉચરે ચાતકો શબ્દ મીઠા;
ગર્ભાધાનોત્સવથી રિઝવા, સેવશે, તારી પાસે
પંક્તિરૂપે થઈ બગલીઓ, આવી,આકાશ માર્ગે ॥૧૦॥

પૃથ્વીને જે ફલવતી કરે, ખીલી રે’તાં શિલીંઘ્રે,
એવી તા’રી શ્રવણ સુખદા ગર્જના સાંભળીને;
કૈલાસાદ્ર સુધિ, બિસ ભરી, માનસે ઊડી જાતા,
તારા સાથી નભમહિં થશે રાજહંસો રૂપાળા ॥૧૧॥

તું આ ઊંચા ગિરિસુહૃદની, લે રજા ભેટી મિત્ર!
જે છે પાર્શ્વે રઘુપતિતણાં પૂજ્યપાદે પવિત્ર;
વર્ષામાંહે, ફરી ફરી તને ભેટતાં દીર્ઘકાળે,
દેખાડે છે તુજ ઉપરનો સ્નેહ ઉની વરાળે ॥૧૨॥