પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ
આલ્બમ: મેઘદૂત
સ્વરકાર: આશિત દેસાઈ
સ્વર: પ્રફુલ્લ દવે
કામીઓ જ્યાં, અખુટ ધનના ધેર ભંડારવાળા,
મીઠા કંઠે ધનપતિતણી, કિન્નરો કીર્તિ ગાતા,-
સાથે રાખી, હરતી મનને અપ્સરા સંગ રંગે,
સેવે આવી ઉપવન રુડું, નિત્ય વૈભ્રાજ્ય નામે ॥ ૧૧ ॥
ચાલી જાતાં અલકથિ ખર્યાં કૈંક મન્દાર પુષ્પે,
સોના કેરાં કમળથિ વળી કાનનાં કર્ણ પત્રે;
મોતીસેરે, સ્તનપર ઝુકી તૂટતાં સૂત્ર, હારે,
રાત્રીરસ્તો દિવસ ઉગતાં, કામિનીનો કળાયે ॥ ૧૨ ॥
જાણીને કે, ધનપતિસખા શંભુ પાસે વસે છે,
તેની બ્હીકે, ભ્રમરગુણનું ચાપ, ના કામ ધારે;
તીણી દ્રષ્ટે ભમર નચવી, વિંધતી કામીઓને,
સાધે છે ત્યાં ચતુર યુવતી, કામસિદ્ધિ વિલસે ॥ ૧૩ ॥
નાના વસ્ત્રો, મધુ નયનને આપનારું વિલાસ,
તાજાં પુષ્પો, કિસલય રુડાં, ભૂષણો ભાતભાત;
તાજો રાતો સરસ અળતો રંગવા પાદપદ્મ,
આપે છે જ્યાં સકળ અબળાભૂષણો, કલ્પવૃક્ષ ॥ ૧૪ ॥
ત્યાં હર્મ્યેથી ધનપતિતણા, ઉત્તરે ધામ મા’રુ,
દ્વારે ઊંચી સુરધનુસમી છે કમાને સુહાતું;
જેની પાસે સુતસમગણી વા’લીએ છે ઉછેર્યો.
ગુ્ચ્છે ઝૂકી કર અડકતો દેવ મંદાર ના’નો ॥ ૧૫ ॥
ત્યાંછે વાપી, મરકતતણા શોભતી શ્યામ ઘાટે,
જેમાં ડોલે, ખિલિ કનકનાં પદ્મ વૈડૂર્યનાળે;
હંસો એના જલપર સદા હર્ખ પામી વસે છે,
વર્ષામાંયે નથી ઉડી જતા, માન છે પાસ તો’યે ॥ ૧૬ ॥
બાંધ્યો તેના તટપર, રચી શિખ્ખરો ઇંદ્રનીલે-
ક્રીડા માટે ગિરિ, કનકની રોપીને કેળ હારે;
વિદ્યુત સોતો નિરખી તુજને, સાંભરી આજ આવ્યે-
વ્હાલીનો એ પ્રિયગિરિ મને, હર્ષ ને ખેદ થાયે, ॥ ૧૭ ॥
ઘેરેલા ત્યાં કુરવકવડે માધવી મંડપો છે,
પાસે રુડો બકુલ, ઝુલતાં રક્તપાતો અશોકે;
ઇચ્છે પ્હેલો વદનમદિરા, દોહદો પૂરવાને,
બીજો ડાબો ચરણ સખીનો, યાચતો મા’રી પેઠે ॥ ૧૮ ॥
કુંભીમાંહિ, નિલમણિજડી લીલુડા વાંસ જેવા,
સોના સ્તંભે, સ્ફટિકનું ઘડી, મુક્યું છે પાંજરું જ્યાં-
વા’લી કેરાં વલયરણકે, તાલથી નાચી નાચી,
બેસે છે જૈ, દિવસ વિતતાં, મિત્રતાઓ કલાત્પ ॥ ૧૯ ॥
એ સૌ ચિન્હો સ્મરણ કરિને, જાણીલેશે તું સદ્ય,
આલેખેલા વલી નિરખિને, સાખમાં શંખ, પદ્મ;
ઝાંખુ ઝાંખુ ભવન હમણાં, હુંવિના લાગશે એ,
ક્યાંથી શોભે કમળ જળમાં, સૂર્યના હોય ત્યારે ॥ ૨૦ ॥
થૈને નાનો પછી કમભશો, મ્હેલમાં પેસવાને,
ક્રીડાશૈલે, પ્રથમ ઉતરી, બેસજે રમ્ય શૃંગે;
ઝાંખા તેજે, જ્યમ ચળકતી હોય ખદ્યોત પંક્તિ,
જોજે, એવી ઝિણિ ઝબકતી વીજની નાખિ દ્રષ્ટિ ॥ ૨૧ ॥
શ્યામાવેષે નહિ નિચિ ઉંચી, ફુટડાં ગાત્રવાળી,
ઘાટે નાની, હરિણી સરખાં નેત્રવાળી રુપાળી;
હારે હારે દશન કણિઓ રત્ન જેવી જણાતી,
શોભે ઝીણી કળિ અધરની બિંબશી રાતી રાતી;
ઉંડી નાભિ ઉદર વિલસે, પાતળી કેડ જેની,
ભારે ઉંચા સ્તનથી કટિમાં, સે’જ નીચી નમેલી;
શ્રોણીભારે, મલપતી રુડી ચાલતી ધીમી ચાલે,
નારીરુપે, પ્રથમ વિધિએ હોય નિર્મેલી જાણે ॥ ૨૨ ॥