Home > આશિત દેસાઈ, કાલિદાસ, કિલાભાઈ ઘનશ્યામ, પ્રફુલ્લ દવે, મેઘદૂત > મેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

મેઘદૂત (ઉત્તરમેઘ ૨૩-૩૫) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

March 24th, 2014 Leave a comment Go to comments
ઉત્તરમેઘ ૨૫The Beloved and the BirdImage courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.

ઉત્તરમેઘ ૨૫
The Beloved and the Bird
Image courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.

ઉત્તરમેઘ ૨૬The Wistful BelovedImage courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.

ઉત્તરમેઘ ૨૬
The Wistful Beloved
Image courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.


પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ
આલ્બમ:મેઘદૂત
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:પ્રફુલ્લ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


મા’રા બીજા જીવન સરખી, થોડબોલી, અલેતી,
જોતાં એને જલદ ! મનમાં જાણજે ભાભી તા’રી,
આ હું એનો સહચર પડ્યો દૂર, તેથી બિચારી,
જાણે હોયે પિઉથી વિખુટી એકલી ચક્રવાકી;
વીતે દાડા વિરહ દુઃખમાં, દોહલા જેમ જેમ,
મુંઝાતીએ બહુ બહુ હશે, એકલી તેમ તેમ;
કર્માએલી નલિની શિશિરે હોય, સંતાપ પામી,
તેવી નિશ્ચે બદલઈ ગઈ એ હશે, પ્યારી મા’રી ॥ ૨૩ ॥

નિશ્ચે, એની રડિ રડિ હશે આંખ સૂજી ગયેલી,
ફીકા લૂખા, અધર અરુણા, ઉષ્ણ નિશ્વાસ નાંખી;
હાથે ટેક્યું મુખ જરિ જરિ કેશમાંથી જણાતું,
મેઘે છાયું કલુષિત દિસે બિંબ શું ચદ્રમાનું ॥ ૨૪ ॥

બેઠેલી એ નજર પડશે દેવપૂજાવિષે કે;
કલી મા’રી કૃશ છબી, હશે કાઢતી ચિત્રમાંહે;
કિંવા હોશે પુછતી, મધુરું બોલતી સારિકાને,
સંભારે છે અલિ! તું પિઉને લાડકી બ્‍હૌ હતી તે ॥ ૨૫ ॥

ઝાંખાં અંગે વસન ધરીને, અંકમાં રાખિ વીણા,
મા’રા નામે પદ રચી, હશે ઇચ્છતી, સૌમ્ય! ગાવા;
તંત્રી ભીની નયનજળથી, લૂછી નાંખી પરાણે,
આરંભેને ઘડી ઘડી વળી, મૂર્છના ભૂલિ જાયે ॥ ૨૬ ॥

પે’લાં બાંધી અવધમહિં જે માસ બાકી રહેલા,
બેઠી હોશે ગણતી, કુસુમો મુકીને ઉંબરામાં;
કિંવા હોશે ઝીલતિ રસમાં, કલ્પિત સંયોગ મારો,
હોયે એવા પિઉવિરહમાં, કામિનીના વિનોદો ॥ ૨૭ ॥

દા’ડે ઝાઝો વિરહ ન દમે, કામમાં હોય જો એ,
તો’યે વીતે રજની, રડતાં એકલી નિર્વિનોદે;
સંદેશાથી સુખી તું કરજે, ભેટિ સાધ્વી નિશીથે,
બારીમાં જૈ ભુમિશયનની, જાગતી એ સખીને ॥ ૨૮ ॥

ઉંડી પીડા મનની સહિને, દૂબળાં ગાત્રવાળી,
ભૂમિ શય્યા વિરહથી કરી, એક પાસે સુતેલી;
જોશે મા’રી પ્રિય સુતનું તું,પૂર્વમાંહે જણાતી,
રેખારુપે થઈ રહિ કળા, હોય શું ચંદ્રમાની;
મારી સાથે મનની ગમતી માણતાં મોજ મોંઘી,
ગાળી એણે ક્ષણ સમ ગણી, રાત્રિઓ જે રુપાળી;
તેની તે એ, રજની વિરહે લાગતાં ખૂબ લાંબી,
ગાળે આજે રડિ રડિ, ઉંના આંસુડાં ઢાળી ઢાળી ॥ ૨૯ ॥

ચંદ્રજ્યોત્સ્ના અમૃત સરખી, આવતી જાળીમાંથી,
જોવા પ્રીતિ કરિ, નજરને નાંખતાં પાછી ખેંચી;
ખેદે આંખો જળથકી ભરી પાંપણે, ઢાંકી દેતી,
જાણે ઝાંખા દિનની નલિની, ના ઉઘાડી, ન મીચી ।। ૩૦ ॥

નિઃશ્વાસોથી, અધરપુટને સૂકવી નાંખનારા,
સ્નાને લૂખા ઉડી વિખરતા, ગંડથી કેશ એના;
જાની મા’રો કઈ રિતથકી, સંગ સ્વપ્નેય થાયે,
ઇચ્છે નિદ્રા, નયન, જળથી જાય રુંધાઈ તો’યે ॥ ૩૧ ॥

બાંધી પ્‍હેલે વિરહ દિવસે, વેણી પુષ્પો ઉતારી,
શાપાન્તે જે, મુજકરવડે છૂટશે શોક છાંડી;
ગાલે આવી જતિ ઘડિ ઘડી, સ્પર્શ થાતાં તણાતી,
લેતી, લાંબા કરનખવડે લૂખી વેણી સમારી ॥ ૩૨ ॥

કાઢી નાંખી ભૂષણ, અબળા દૂબળાં અંગવાળી,
શય્યામાંહે તલસતી હશે, દુઃખથી ગાત્ર નાંખી;
તેને દેખી, નવ જળરુપી આંસુ તું પાડશે ત્યાં,
આવે સૌને મનમહિ દયા, આર્દ્ર છે ચિત્ત જેનાં ॥ ૩૩ ॥

મારામાં છે તુજ સખીતણું, સ્નેહથી ચિત્ત ચોટ્યું,
ધારું તેથી પ્રથમવિરહે, વ્હાલીની આ દશા હું;
મારું સારું સમજી, નથિ હું વાત કે’તો વધારી,
કીધું તે તે નિરખિશ જતાં દ્રષ્ટિએ, સદ્ય તા’રી ॥ ૩૪ ॥

રુંધે દ્રષ્ટિ, લટકિ અલકો, લૂખી આંજ્યા વિનાની;
છોડી દેતાં મધુ, વિસરિ જે ભ્રૂવિલાસો બિચારી,
તું ત્યાં જાતાં, ઉપર ફરકી આંખડી એની ડાબી;
શોભી રે’શે, કુવલય સમી, મત્સ્યના હાલવાથી ॥ ૩૫ ॥

Please follow and like us:
Pin Share
  1. No comments yet.
  1. No trackbacks yet.