મેઘદૂત (ઉત્તરમેઘ ૩૬-૪૮) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

ઉત્તરમેઘ ૩૭Meeting in the DreamImage courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.

ઉત્તરમેઘ ૩૭
Meeting in the Dream
Image courtesy joshiartist.in© Artist Nana Joshi. Image reproduced with permission.


પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ

આલ્બમ: મેઘદૂત

સ્વરકાર: આશિત દેસાઈ

સ્વર: પ્રફુલ્લ દવે



એની-મારાં નખપદ વિના શૂન્ય શોભા વિનાની,
દૈવે જેની પરિચિત હરી, મેખલા મોતિકેરી;
સંભોગાન્તે મુજકરવડે ચાંપવા યોગ્ય-ડાબી,
રે’શે જંઘા ફરકી, કદળી-ગર્ભશી ગોરી ગોરી- ॥ ૩૬ ॥

તે વેળાએ જલદ! કદિ એ ઉંઘતી હોય તો તું,
પાસે બેસી, નહિ ગરજતાં, થોભજે પ્‍હોર થોડું;
આ વ્હાલાનો નહિતર થતાં સંગ સ્વપ્ને પરાણે,
કંઠે બાંધી, સજડ ભુજની બાથ છૂટી જશે રે ॥ ૩૭ ॥

ઊઠાડીને નવજળકણે વાયુ ઠંડો પ્રસારી,
વેરી તાજાં કુસુમ જુઈનાં, માનિની શાંત પાડી;
ઢાંકી વિદ્યુત, તુજ ભણિ પછી જાળીમાંએ જુવે તો,
ધીરા! કે’જે ગરજી મધુરું, આમ સંદેશ મા’રો ॥ ૩૮ ॥

હું છું, તારા પ્રિય તમતણો મિત્ર, સૌભાગ્યવંતિ!
સંદેશો લૈ, જલધર રુપે, આવીયો પાસ તારી;
માર્ગે થાતા અધિર, અબળા વેણીને છોડવાને,
પ્રેરુ છું હું ગરજી મધુરું, થાક્તા પાંથિકોને ॥ ૩૯ ॥

એવું કે’તાં, પવનસુતને મૈથિલી પેર જોતી,
ઉત્કંઠાથી હરખી, તુજને દેખતાં માન આપી;
રાખી લક્ષ શ્રવણ કરશે, સૌમ્ય! માને વધૂઓ-
સંદેશાને સુહ્રદ મુખથી, સ્વામિના સંગ જેવો ॥ ૪૦ ॥

હે આયુષ્મન્ ! મુજ વિનતિથી ને કૃતાર્થ થવા, ત્યાં,
કે’જે તારો પિઉ કુશળ છે, રામ ગિર્યાશ્રમોમાં;
પ્રુછાવે છે ખબર અબળા! તાહરી એ વિયોગી,
પે’લી આ’વી ખબર પુછવી, પ્રાણિને દુઃખ-ભાગી ॥ ૪૧ ॥

અંગે, અંગો અરપી દુબળાં, ગાઢ તાપે તપેલાં,
ઉત્કંઠાને, તલસી તલસી, આંસુને, આંસુ ઉના;
નિસાસાને તુજ, મન થકિ, ઉષ્ણ નિઃશ્વાસ અર્પી,
ભેઠે છે એ દૂરથી, વિધિએ વેરી થૈ વાટ ઘેરી ॥ ૪૨॥

હોયે કે’વા સરખુ, સખીઓ દેખતાં તે છતાંયે,
કે’તો આવી, અધર રસના લોભથી, કૈંક કાને;
તે છે, તારા શ્રવણથી તથા દ્રષ્ટિથી દૂર માટે,
ઉત્કંઠાથી પદ રચિ રુડાં, કા’વતો મિત્ર સાથે ॥ ૪૩ ॥

સિંચાયેલી જળથિ, ભૂમિના ગંધ જેવું સુગંધિ,
તારું ક્યાંહિ વદન, નથિ હું દેખતો તેથી વ્હાલી;
સોસાયું છે વિરહ સહિને, અંગ મારું છતાં આ,
આપે પીડા, મદન હવણાં આટલી તો પછી હા!
આ વર્ષાના ક્યમ કરિ અરે ! ધૂંધળા દિન જાશે,
ઘેરાવાથી, વિખરઇ બધે મેઘ ચારે દિશાએ ॥ ૪૪ ॥

કાન્તિ તા’રા મુખની શશિમાં, અંગ શ્યામાલતામાં,
દ્રષ્ટિ બ્‍હીતી હરિણીનયને, કેશ બર્હિકળામાં;
તારા ઝીણા, નદી લહરીમાં, ભ્રૂવિલાસો નિહાળું;
એકસ્થાને જડતું નથી, હા! ચંડિ ! સાદ્રશ્ય તારું ॥ ૪૫ ॥

રીસાયેલી પ્રણયથી તને, ધાતુરંગે શિલામાં,-
આલેખીને, ચરણ નમવા જાઉં છું તેટલામાં;
રુંધે દ્રષ્ટિ, ઘડિ ઘડિ આંસુડાં ઉભરાતાં,
વેઠાયેના, કઠણ વિધિથી આપણો સંગ એમાં- ॥ ૪૬ ॥

પામી તા’રો પ્રિય સખિ! મિઠો સંગ, સ્વપ્ને પરાણે,
મા’રા ઉંચે ભુજ પસરતા, ગાઢ આલિંગવાને;
તે દેખીને, ઘડિ ઘડિ દયા આણતી દેવીઓની,-
મોતી જેવાં, તરુ પર પડે, આંસુડાં આંખમાંથી, ॥ ૪૭ ॥

ભેદી, તાજી કિસલય કળી દેવદારુ દ્રુમોની,
થૈને તેના રસથી સુરભી, આવતા ઉત્તરેથી;
આલીંગું છું, હિમગિરિતણા વાયુને પ્રેમઘેલો,
ધારી, એને ગુણવતિ! હશે સ્પર્શ તારો થયેલો ॥ ૪૮ ॥