મેઘદૂત (ઉત્તરમેઘ ૪૯-૫૬) – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)


પરિકલ્પના,સંપાદન,સંકલન: રજનીકુમાર પંડ્યા
વિવરણ: ડૉ. ગૌતમ પટેલ
વિવરણ સ્વર: વિદ્યુલ્લતા ભટ્ટ

આલ્બમ: મેઘદૂત

સ્વરકાર: આશિત દેસાઈ

સ્વર: પ્રફુલ્લ દવે



લાંબી રાતો ક્ષણરુપ, કરુ કેમ તો ટુંકી થાય,
દાડે કેવી રિતથી, તડકો મંદ થૈ રે’ સદાય;
એવી મિથ્યા બહુ બહુ કરી વાંછના ચંચલાક્ષિ!
શીઝે હૈડું અશરણ, ઉંડી હા! વિયોગ વ્યથાથી ॥ ૪૯ ॥

તો’યે આશા કંઇ કંઇ ધરી, પ્રાણને હું નિભાવું,
માટે એવું સમજી સુભગે ! ગાભરી ના થતી તું;
કોને નિત્યે સુખ નભિ રહ્યું, એકલું દુઃખ કોને,
નીચે ઉંચે ફરી રહિ દશા, ચક્રધારા પ્રમાણે ।। ૫૦ ॥

પૂરો થાશે અધિરિ! જલદી દેવઉઠીથી શાપ,
માટે, આંખો મિચિ વિગમજે, બાકીના ચાર માસ;
વાંછાઓ જે વિવિધ મનમાં ભેગી થૈ છે વિયોગે,
પૂરી કર્શું, મળી શરદની ઉજળી રાત્રિઓએ ॥ ૫૧ ॥

મા’રે કંઠે વળગી, શયને એકદા તું સુતીતી,
જાગી ઉઠી રડતી ડુસકે, કૈક કે’વા તું લાગી;
વારે વારે વિનવી પુછતાં, બોલી ઉંડું હસીને,
સ્વપ્ને દીઠા બીજી શું રમતાં, જાવ જૂઠ્ઠા તમોને ॥ ૫૨ ॥

જાણી લેજે, કુશળ મુજને દાખલો આ વિચારી;
અંદેશો ના લગિર મનમાં આણતી વ્હાલિ મારી;
પ્રીતિ તૂટે વિરહથિ રખે માનતી કે’ણ એવાં,
થાયે રાશિરુપ, રસ વધી, પ્રેમ, ના ભોગવાતાં ॥ ૫૩ ॥

ભારે શોકે, પ્રથમ વિરહે ભાભીને દૈ દિલાસો,
ખૂંદેલા એ ગિરિથી, શિવના નંદિએ, આવી પાછો;
ચિન્હો સાથે, કુશળ વચનો વ્હાલીનાં આણી આપી,
મારા કુન્દપ્રસુન સરખા પ્રાણ લેજે ઉગારી ।। ૫૪ ॥

ધારું છું જે, મન પર લિધું કાર્ય આ મિત્ર કેરું,
તેથી માની લઉં ન મનથી, ના રુપે, મૌન તારું;
આપે છે તું જળ, વિનવતાં, મૌન રૈ, ચાતકોને,
મોટાનું એ પ્રતિવચન કે, ઇષ્ટ દે અથિઓને ॥ ૫૫ ॥

સાધી, મારું પ્રિય, અઘટતું છે છતાં પ્રાર્થનાથી,
કાં મત્રીથી, વિરહિ સમજીને દયા આણી મા’રી;
વર્ષાશ્રીથી સુભગ બનતો, જા ગમે તે તું દેશ,
મા થાશો રે ! ક્ષણ વિજળીથી, આમ તારે વિયોગ ॥ ૫૬ ॥
======
સમાપ્ત
======

મેઘને સંદેશ કહી વિદાય કર્યા પછી, શું શું થયું, એ વિષે કવિએ કંઈ પણ લખ્યું નથી, તેથી એ સઘળો વૃત્તાંત પૂર્ણ કરવાને માટે તથા વિખુટાં થયેલાં નાયિકા નાયકને ભેગાં જોવાના ઉત્સાહથી, કોઈ વિદ્વાનોએ એમાં કેટલાંક ક્ષેપક ઉમેર્યા છે, જેમાંના ત્રણ મુખ્ય અને સંદેશની સમાપ્તિ બતાવનારા હોવાથી, વાચકોને માટે નીચે આપ્યા છે.

તે અદ્રિથી નિકળિ અલકા આવિને, જાણિ માર્ગ,
શોધી, શોભ રહિત સઘળાં ચિહ્નથી યક્ષધામ;
કા’વ્યું જે જે પ્રણયમધુરું, ગુહ્યકે કામિનીને,
તે તે એને તહિં જઈ કહ્યું, કામરૂપી પયોદે. ॥ ૧ ॥

તે સંદેશો લઈ, જલધરે દિવ્ય વાચા ધરીને,
ઉગારીને જીવ, જઈ કહ્યો યક્ષની કામિનીને;
જાણી, આવી ખબર પિઉની, તેય આનંદ પામી,
કોને નિત્યે ફળતી નથી કો’, પ્રાર્થના સજ્જનોની. ॥ ૨ ॥

સંદેશાની જલધરતણા, વાત જાણી કુબેરે,
રીઝી, લાવી મનમહિં દયા, શાપ ઉત્થાપિદૈને;
ભેગાં કીધાં ફરિથી, વિખુટાં દંપતિ હર્ષઘેલાં,
નાના ભોગો વિધ વિધ સુખો, બેઉને ભોગવાવ્યા. ॥ ૩ ॥

—————————————————————————————————

મિત્રો, આ સાથે મેઘદૂતની શ્રેણી સમાપ્ત થાય છે. સમગ્ર શ્રેણીનું મુદ્રાંકન કરી આપવા માટે મિત્ર ખ્યાતિ શાહનો હું આભારી છું. આ સાથે મેઘદૂતનો સ્વ. કિલાભાઈ ઘનશ્યામ દ્વારા કરવામાં આવેલા અનુવાદના 1913માં પ્રગટ થયેલા મૂળ પુસ્તકની પીડીએફ વાચકો માટે સાદર છે: [ અહીં કિલક કરી ડાઉનલોડ કરો ]