આલ્બમ: હસ્તાક્ષર

સ્વરકાર: શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી

સ્વર: આરતિ મુન્શી, સૌમિલ મુન્શી



હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.

એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયું છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના, માળો એક હુંફાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.

મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.

મઝીયારા માળામા રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામા હોયે આપણો ફાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.