આજનાં ગીતમાં વાત કરવી છે આજનાં જમાનાનાં કૃષ્ણની.. અહીં ઈ-મેઈલનાં અને સાયબર કવિએ નવી ભાષા, નવા મિજાજ અને નવા તોર તરિકાથી કૃષ્ણને પ્રેમ કર્યો છે.. તેમણે આપણી ભાષાની નવી પેઢીની પૂજાની સામગ્રી બદલી છે પણ ભાવના બદલી નથી.. માણીએ આ મધુરું ગીત કવિનાં પોતાનાં જ સ્વરમાં પ્રસ્તાવના સાથે..
પ્રસ્તાવના: અંકિત ત્રિવેદી
આલ્બમ: ગુજરાતી ડોટ કોમ
સ્વરકાર: આશિત દેસાઈ
સ્વર: આશિત દેસાઈ
કાનજીનાં મોબાઈલમાં રાધાનો રિંગટોન, રિંગટોન રાધાનો વાગે,
જનમો જનમની ઘેલી રાધાની પ્રીત, કાનજીનાં રૂવાંડે જાગે..
રાધાનો રિંગટોન વાગે..
મોબાઈલનાં નેટવર્કમાં કેમેય ના પકડાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને, રાધાનો હાથ લેવો ઝાલી,
આયખાની સાંજ ઉપર ઉભેલા કાનજી સપનાનો ટૉક ટાઇમ માંગે..
રાધાનો રિંગટોન વાગે..
એસ.એમ.એસ મોકલેલો વાયા ઓધાજી, એનાં રિપ્લાયમાં રાધાનાં આસું,
રાધાનાં આંસુનો એસ.એમ.એસ વાંચીને કાનજીની આંખે ચોમાસું,
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં વાંસળી વાગે છે એક રાગે..
રાધાનો રિંગટોન વાગે..